સરકારી બેંકો સેવિંગ્સ, જનધન ખાતેદારો માટેના ચાર્જ નહી વધારે

નવી દિલ્હી

તા.1 નવેમ્બરથી બેન્ક ઓફ બરોડા સહિતની બેન્કોએ તેના ખાતેદારો માટે રોકડ નાણા જમા કરાવવા કે ઉપાડના વ્યવહારો મર્યાદીત બનાવી બાદના દરેક ઉપાડ કે જમા કરાવવા સહિતના બ્રાન્ચમાં કરાતા વ્યવહારોમાં ચાર્જ લેવાની જાહેરાત કરી હતી. પરંતુ કેન્દ્ર સરકારે તમામ જાહેર ક્ષેત્રની બેન્કોને હાલ કોરોના સંકટની સ્થિતિ જોતા આ પ્રકારના ચાર્જ નહી વધારવા સૂચના આપી છે. ખાસ કરીને આ બેન્કોમાં રહેલા 60.4 કરોડ સેવિંગ્સ બેન્ક ખાતેદારો અને 41.13 કરોડ જનધન ખાતેદારો માટે જે ફ્રી સેવા છે તે હાલ યથાવત જ રાખવામાં આવશે તેવુ સ્પષ્ટ જણાવાયું છે. નાણા મંત્રાલય દ્વારા બેન્ક ઓફ બરોડા દ્વારા સોમવારથી બેન્ક ચાર્જીસ વધારવાની થયેલી જાહેરાત બાદ આ આદેશ આપીને હાલ કોઈ ચાર્જ નહી વધારવાની સૂચના આપી છે અને અન્ય કોઈ સરકારી બેન્કો પણ હાલ આ પ્રકારના ચાર્જ વધારશે નહી. સરકારે રીઝર્વ બેન્ક મારફત તમામ બેન્કોને તેની સેવા માટે ચાર્જ વસુલવાનો અધિકાર આપ્યો જ છે અને તેમાં પણ હવે ચાર્જ ઉપર જીએસટી પણ વસુલાય છે.

 1,064 Views