કોહલી નિવૃત્ત થઈ જાઓ, તેવો ચાહકોમાં રોષ

નવીદિલ્હી

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમ ફરી એક વખત આઈપીએલમાંથી બહાર થઈ ગઈ છે. કેપ્ટન વિરાટ કોહલીએ ફરી એક વખત ચાહકોના સ્વપ્નને ચકનાચૂર કરી દીધું છે. હૈદરાબાદ સામેના એલિમિનેટર મુકાબલામાં બેંગ્લોરને હૈદરાબાદે બરાબરનો પાઠ ભણાવી ટૂર્નામેન્ટમાંથી બહાર કરી દીધું હતું. બેંગ્લોરની હાર બાદ તેના ચાહકો અત્યંત ગુસ્સામાં અને તેમનો ગુસ્સો એટલી હદે છે કે તેમણે કોહલીને આઈપીએલમાંથી નિવૃત્ત થઈ જવાની સલાહ આપી દીધી છે ! હૈદરાબાદ સામેના પરાજય બાદ ટવીટર પર ‘થેન્ક યુ કોહલી’નો હેશ ટેગ ટ્રેન્ડ થઈ રહ્યો છે. આઈપીએલની 13મી સીઝનમાં બેંગ્લોરની ટીમે શાનદાર શરૂઆત કરી હતી. તેણે પહેલાં 10માંથી 7 મેચમાં જીત મેળવી હતી પરંતુ ત્યારપછી સતત પાંચ પરાજયે ટીમની આશા ઉપર પાણી ફેરવી દીધું હતું. ગમે તેમ કરીને આ ટીમ પ્લેઓફમાં તો પહોંચી ગઈ પરંતુ આગળ વધી શકી નથી. ક્રિકેટના ચાહકો આ હાર માટે કોહલીને જવાબદાર ઠેરવી રહ્યા છે. લોકો ટવીટર પર લખી રહ્યા છે કે ‘બસ કોહલી હવે છોડી દો, હવે નિવૃત્ત થઈ જાઓ.’ અનેક લોકો આ હાર બાદ વિરાટ કોહલીને ટીમ ઈન્ડિયાના કેપ્ટન તરીકે પણ હટાવી નાખવા માંગણી કરી રહ્યા છે. ચાહકો ઈચ્છી રહ્યા છે કે રોહિત શર્માને હવે ટીમની કમાન સોંપી દેવામાં આવે. આ ઉપરાંત ચાહકો તરેહ-તરેહના મીમ્સ બનાવીને વિરાટની મજાક ઉડાવી રહ્યા છે. અમુક લોકો લખી રહ્યા છે કે પ્લીઝ ભગવાન માટે કોહલીને કેપ્ટનપદેથી હટાવો. હૈદરાબાદ વિરુદ્ધ વિરાટ ઓપનિંગ બેટિંગ કરવા આવ્યો હતો અને તેનો આ નિર્ણય ચાહકોને બિલકુલ પસંદ પડ્યો નથી. ટીમ ઈન્ડિયાના પૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીરે પણ કોહલી તેમજ તેની ટીમ ઉપર અનેક સવાલો ઉભા કર્યા છે.

 896 Views